ભાવનગરના તળાજા એસ.ટી. ડેપોના વર્કશોપમાં રવિવારે એક મિની બસમાં આગ લાગી હતી જેના પગલે બાજુમાં પડેલી અન્ય બસ પણ લપેટમાં આવી હતી. બે બસમાં આગ લાગવાથી એસ.ટી. તંત્રને લાખોનું નુકશાન થયું છે. આ મામલે વિભાગીય નિયામક એ.કે. પરમારે તાકીદના ધોરણે પગલા લઇ મિકેનીક વિભાગના ત્રણ કર્મચારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડનું ગડગડીયુ પકડાવી દેતા કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
તળાજા એસ.ટી. ડેપોના વર્કશોપમાં મીની બસ નં.જીજે-૧૮-ઝેડ-૩૯૦૨ પાર્ક કરેલી હતી ત્યારે આગની ઘટના બની હતી. જેના પગલે બાજુમાં પાર્ક કરેલી અન્ય બસ જીજે-૧૮-ઝેડ-૬૯૨ જે મહુવા ડેપોની હતી આ બસ પણ આગની લપેટમાં આવી જતા નિગમને મોટી રકમનું નુકશાન થયું છે.
આ બનાવમાં ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામક એ.કે. પરમાર દ્વારા કડક કાર્યવાહી કરીને તળાજા ડેપોમાં હેડ મિકેનીક તરીકે ફરજ બજાવતા માલાભાઇ શામળભાઇ ચાવડા તથા અન્ય કર્મચારીમાં ભરતભાઇ દેવજીભાઇ ડાભી અને ગુણવંતસિંહ આર. ચુડાસમાએ યોગ્ય ચકાસણી અને પુરતી મરામત ન કર્યાનું ઉંડાણપૂર્વકની તપાસમાં બહાર આવતા ત્રણેય કર્મચારીઓને અન્ય નવો હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.