પાલિતાણાના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ધારીનો ખોડિયાર ડેમ આવેલો છે જે ૯૬.૮૩ ટકા ભરાઇ ગયો છે આથી રૂલ લેવલ જાળવવા માટે ગત રાત્રીના એક દરવાજાે ખોલવામાં આવ્યો છે. આજે સવારે પણ આ દરવાજાે ૧૦ ઇંચના ફ્લોથી ખુલ્લો છે જેના કારણે ૬૪૫ ક્યુસેક પાણીના જથ્થાની આવક-જાવક નોંધાઇ છે.
ઉલ્લેખનિય છે કે, ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી શેત્રુંજી નદી મારફત શેત્રુંજી ડેમમાં ઠલવાય છે આથી શેત્રુંજી કાંઠે વસેલા પાલિતાણા અને ગારિયાધારના કેટલાક ગામોને સાવચેત કરાયા છે.
ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જુના, મનાજી, રાણીગામઘ સતાપરા, ઠાંસા અને પાલીતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
ખોડિયાર ડેમમાંથી પાણીની આવક થતા શેત્રુંજી ડેમની સપાટી ધીમે ધીમે ઉપર જશે તેમ જણાય છે. જાે કે, આજે સવારે ૧૦.૩૦ કલાકે ડેમની સપાટી ૨૭ ફુટે સ્થિર જણાઇ છે.