ગુજરાતમાં સરકારી જમીનો પર બેફામ દબાણ સામે સરકાર હવે ગંભીર બની હોય તેમ પ્રથમ વખત આવા તત્વો સામે લેન્ડ ગ્રેબીંગ કાયદાનું હથિયાર ઉગામવા અને તાત્કાલીક અસરથી નળ-વીજ જોડાણ સહિતની સેવાઓ કાપી નાખવાના આદેશ કરવામાં આવ્યા છે.
રાજ્યનાં મહેસુલ વિભાગ દ્વારા પ્રથમ વખત સરકારી જમીન પરના દબાણ સામે આક્રમક વ્યૂહ અપનાવીને લેન્ડ ગ્રેબીંગ કાયદાની જોગવાઈઓ લાગુ પાડવા માટે રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને આ અંગેનો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે. સરકારી જમીનમાં ખડકાયેલા કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમોને તાત્કાલીક અસરથી વીજળી સહિતની નાગરિક સેવા બંધ કરી દેવાની પણ તાકીદ કરવામાં આવી છે.
16મી જૂને મહેસુલ વિભાગના નાયબ સચિવ બી.આર. ભમ્મરની સહીથી ઇસ્યુ થયેલા આ પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, તમામ જિલ્લાના સર્કલ ઓફીસરોને સરકારી પ્લોટની સંખ્યા ચકાસવાની જવાબદારી સોંપવામાં આવે, દર મહિને તેનો રિપોર્ટ કલેક્ટરોને સોંપવામાં આવે, સરકારી પ્લોટમાં દબાણ છે કે કેમ તેની વિગતો સાથેનો રિપોર્ટ સરકારને પહોંચાડવામાં આવે.
સર્કલ ઓફીસર કે મામલતદાર જેવા મહેસુલી અધિકારીઓને સરકારી પ્લોટનું વીડિયોગ્રાફી કરીને ફેન્સીંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
વીડિયોગ્રાફીના આધારે સરકારી જમીનના સ્ટેટસનો પૂરાવો આપવાનો રહેશે. જિલ્લા કલેક્ટરોએ નિયમિત રીતે સરકારી જમીનના ઇન્સ્પેકશનનાં આદેશ કરવાના રહેશે અને કોઇ દબાણ માલુમ પડવાના સંજોગોમાં સર્કલ ઇન્સ્પેક્ટર અને મામલતદાર સામે ખાતાકીય પગલા લેવાના રહેશે.
પરિપત્રમાં એવી પણ તાકીદ કરવામાં આવી છે કે દરેક જિલ્લાનાં સરકારી પ્લોટનું લીસ્ટ તૈયાર કરવામાં આવે અને તેનો સ્ટેટસ રિપોર્ટ બનાવવામાં આવે. કોઇપણ પ્લોટમાં દબાણ હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરુ કરવામાં આવે.
મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં ખાસ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને દબાણ સામે કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોએ સરકારી જમીનના દબાણ મામલે કોર્પોરેશન, નગરપાલિકા અને અન્ય સંબંધીત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે બેઠક કરીને ગેરકાયદે ખડકાયેલી ઇમારતોની વીજળી સહિતની સેવા અટકાવવા માટેની સૂચના આપવાની રહેશે.
સરકારી આદેશના મહત્વના મુદ્દા
* મહેસુલ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયેલા પરિપત્રમાં સરકારી જમીન પર વ્યક્તિગત કે ઔદ્યોગિક દબાણ હોય તો લેન્ડ ગ્રેબીંગની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવી
* તમામ સર્કલ ઇન્સ્પેક્ટરોએ સરકારી પ્લોટની વીડિયોગ્રાફી કરીને તેનું ફેન્સીંગ કરવું
* સરકારી પ્લોટની સંખ્યા ચકાસીને નિયમિત તપાસ કરવા મહેસુલી અધિકારીઓને જવાબદારી
* સરકારી જમીન પર દબાણ થાય તો સર્કલ ઇન્સ્પેક્ટરો-મામલતદાર સામે ખાતાકીય પગલા
* સરકારી જમીનના સ્ટેટસ વિશે કલેક્ટરોએ દર મહિને રિપોર્ટ આપવો પડશે.
*ગેરકાયદે ખડકાયેલી ઇમારતોના વીજ જોડાણથી માંડીને તમામ સેવા કાપી નાખવી
* સરકારી જમીન વિશે જિલ્લા ટાસ્ક ફોર્સે દર મહિને ઇન્સ્પેકશન કરવાનું રહેશે