ભાવનગરમાં નવાપરામાં સીજીએસટીની ટીમ પર સર્ચ ઓપરેશન સમયે થયેલા ચકચારી હુમલાની ઘટનાના ભારે પડઘા પડ્યા છે, આ બનાવના પગલે આજે સૌરાષ્ટ્ર ઝોનના પ્રિન્સિપલ કમિશ્નર મદનમોહનસિંઘે ભાવનગર દોડી આવી સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી જીણવટપૂર્વક વિગતો મેળવી હતી તેમજ ટીમને પ્રોત્સાહન પૂરું પાડી કામગીરી આવકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું.
સીજીએસટી કચેરી ખાતે લગભગ 30 મિનિટ સુધી બેઠક યોજી કમિશ્નરએ કુખ્યાત ટોળકી દ્વારા આચરાયેલ બોગસ બીલિંગ અને તેને આનુષંગિક કેસને લગતી અન્ય વિગતો મેળવી હતી. કમિશનર મદનમોહનસિંઘે ટીમ સીજીએસટીને કૌભાંડી તત્વોને ઝેર કરવા કોઈ કચાશ નહીં રાખવા તેમજ જરૂર પડે ત્યાં પોલીસનો સહયોગ લેવા જણાવ્યું હતું. તેમણે ટીમને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. સાથે આગામી દિવસોમાં વધુ તપાસ અને કાર્યાવહી માટે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પૃરું પાડ્યું હતું તેમ જાણવા મળ્યું છે.
હાલારી ગ્રૂપને ત્યાં સર્ચ બાદ 13 બોગસ પેઢી અને 7 કરોડનું બોગસ બીલિંગ મળ્યું
વલી હાલારી અને તેની ટોળકી લાંબા સમયથી બોગસ બીલિંગ પ્રવુતિ આચરી રહ્યાનું તંત્રનું માનવું છે. નવપરાના મહેક ફ્લેટમાં સર્ચ ઓપરેશન બાદ તંત્રની તપાસમાં 13 બોગસ પેઢીઓ મળી આવી છે અને 7 કરોડનું બોગસ બીલિંગ ડિટેકટ થયું છે, હાલાકી બોગસ બીલિંગના આ કેસમાં આંક 40થી 50 કરોડ હોવાની તંત્રને આશંકા છે અને આ દિશામાં ધીમી છતાં મક્કમ ગતિએ તપાસ આગળ ધપી રહી છે, કમિશનરની ભાવનગરની મુલાકાત બાદ આ મામલે તપાસમાં વેગ આવવાની સંભાવના જોવાઈ રહી છે.