દેશના 15મા રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઈતિહાસ રચી દીધો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર 77 મત મળ્યા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.
મત ગણનાના પ્રથમ રાઉન્ડમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 540 સાંસદોના મત મળ્યા હતા, જેનું મૂલ્ય 3,78,000 છે. તો વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને 208 સાંસદોના મત મળ્યા જેનું મૂલ્ય 1,45,600 છે. સાંસદોના કુલ મત 748 મત પડ્યા, જેનું મૂલ્ય 5,23,600 છે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જણાવ્યુ કે બીજા રાઉન્ડ બાદ પ્રથમ 10 રાજ્યોના મતપત્રોની ગણતરી કરવામાં આવી, તેમાંથી કુલ કાયદેસર મત 1138 છે, તેની કુલ વેલ્યૂ 1,49,575 છે. તેમાંથી દ્રૌપદી મુર્મૂને 809 મત મળ્યા, જેની વેલ્યૂ 1,05,299 છે અને યશવંત સિન્હાને 329 મત મળ્યા, જેની વેલ્યૂ 44276 છે.