રાજ્યના ધાર્મિક સ્થાનો સહિતનાં મુખ્ય શહેરોના પ્રવાસન વિકાસ માટે તૈયાર કરાયેલા મહત્વકાંક્ષી એરસ્ટ્રીપ (વિમાની મથક)ના પ્રોજેક્ટ માટે ત્રણ વર્ષમાં 90 કરોડનો ધૂમાડો કરવામાં આવ્યા છતાં હજુ 11 એરસ્ટ્રીપ માટે કોઇપણ કાર્યવાહી થઇ નથી.
ગુજરાત સરકાર દ્વારા ત્રણ વર્ષ પૂર્વે રાજ્યનાં જુદા-જુદા સ્થળોએ એરસ્ટ્રીપ બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ 13 એરસ્ટ્રીપમાંથી એક માત્ર માંડવીમાં પ્રોજેક્ટ કાર્યરત બન્યો છે. જ્યારે 11 એરસ્ટ્રીપ માટે તો કોઇપણ પ્રકારની કાર્યવાહી જ શરુ થઇ નથી. બેચરાજી માટેનો પ્રોજેક્ટ ફીઝીબલ માલુમ નહીં પડતા રદ કરી નાખવામાં આવ્યો છે.
સરકારે અંબાજી, દ્વારકા, મોરબી, દાહેજ, પાલિતાણા, ધોળાવીરા, રાજકોટ, અંકલેશ્ર્વર, પરસોલી, રાજપીપળા, માંડવી, બેચરાજી અને બગોદરા એમ 13 સ્થળો માટેનો એરસ્ટ્રીપ પ્રોજેક્ટ જાહેર કર્યો હતો. ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જ મુખ્યત્વે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રવાસન વિકાસ માટેનો મુખ્ય ઉદ્દેશ હતો. તે પૈકીના પાંચ એરસ્ટ્રીપ પ્રોજેક્ટ ઔદ્યોગિક શહેરો નજીકના હતા.
માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે ત્રણ વર્ષ વિતી જવા છતાં રાજ્ય સરકારે એરસ્ટ્રીપ માટેની જમીન જ નક્કી કરી નથી એટલું જ નહીં કેન્દ્ર સરકાર પાસેથી જુદી-જુદી મંજુરીઓ પણ મેળવવામાં આવી નથી. રાજ્ય સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને સૂચિત એરસ્ટ્રીપ માટે પ્રિ-ફીઝીબીલીટી રિપોર્ટ આપવા સૂચવ્યું હતું પરંતુ તે પણ હજુ પેન્ડીંગ છે.
સમગ્ર પ્રોજેક્ટ ઉદ્યોગ મંત્રાલય હસ્તક હાથ ધરવામાં આવ્યો છે. મંત્રાલયનાં એક સિનિયર અધિકારીએ કબૂલ્યું હતું કે પ્રોજેક્ટમાં કોઇ પ્રગતિ નથી. છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકાર હજુ એરસ્ટ્રીપ માટેની જમીન જ શોધી રહી છે. દહેજ અને પાલીતાણા માટે યોગ્ય જમીન મળતી નથી જ્યારે અન્ય 9 એરસ્ટ્રીપ માટે જમીન શોધી લેવામાં આવી હોવા છતાં સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નથી. અંબાજી માટે નક્કી થયેલી જમીન ખૂબ નાની છે એટલે એરસ્ટ્રીપ માટે ફીઝીબલ નથી.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે છેલ્લા બે વર્ષમાં 91.22 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. 2020માં 1.08 કરોડ તથા 2021માં 90.13 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મુખ્ય ખર્ચ માંડવી એરસ્ટ્રીપના વિકાસ પાછળ કરવામાં આવ્યો હતો. ધોલેરા ખાતે પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ નક્કી થયો છે. તેનાં ટેન્ડર હજુ જારી થયા ન હોવા છતાં સરકાર દ્વારા 10 કરોડનોખર્ચ કરી નાખવામાં આવ્યો છે. નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના કામ માટે ગત મહિને જ આર્થિક બાબતોની કેબીનેટ સમિતિ દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. 1305 કરોડના અંદાજીત ખર્ચે આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો થાય છે.