કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં સ્પેસ ટુરિઝમ શક્ય બનશે. તેમણે માહિતી આપી હતી કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO લો અર્થ ઓર્બિટમાં માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શન દ્વારા અવકાશ પ્રવાસન તરફ સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવાની પ્રક્રિયામાં છે. સ્પેસ ટુરિઝમ હાલમાં ખૂબ ખર્ચાળ છે. આ વર્ષે એપ્રિલમાં અમેરિકન કંપની Axiom Space એ 3 બિઝનેસમેનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISI)ની યાત્રા કરાવી હતી. એક યાત્રી પાસેથી લગભગ 420 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
હાલમાં Axiom Space અને SpaceX જેવી કંપનીઓ અમેરિકન સ્પેસ એજન્સી NASAના સહયોગથી આ સેક્ટરમાં માર્કેટ બનાવવામાં વ્યસ્ત છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)એ પણ આ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી વધારવાની માંગ કરી છે જેમાં અવકાશ પ્રવાસન પણ સામેલ છે. અંતરિક્ષ કૂટનીતિ અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઈસરોએ અંતરિક્ષ પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોમાં 61 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંબંધોને આગળ વધાર્યો છે.