પાકિસ્તાનના ઉતર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભ દરમિયાન એક આત્મઘાતી હુમલો થયો, આ હુમલામાં 5 લોકોના મોત થયા જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા, ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે, આ એક આત્મઘાતી બોમ્બ હુમલો હતો, જે કુરેશી મોડ પાસે શાંતિ સમિતિના પ્રમુખ નૂર આલમ મહેસુદના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન થયો. હુમલા સમયે મહેમાનો નાચગાન કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રૂમની છત તૂટી પડી હતી, જેના કારણે બચાવકાર્ય મુશ્કેલ બન્યું હતું. ઘણા લોકો તેની નીચે દબાયેલા હતા. જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઈમરજન્સીની ઘોષણા કરી દેવામાં આવી હતી.’મહિનાની શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વામાં હથિયારધારી હુમલાખોરોએ શાંતિ સમિતિના ચાર સભ્યોની હત્યા કરી હતી, નવેમ્બર 2025માં ખૈબર પખ્તુનખ્વાના બન્નું જિલ્લામાં એક શાંતિ સમિતિના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા.
ખૈબર પખ્તુનખ્વા રેસ્ક્યૂ 1122ના પ્રવક્તાએ કહ્યું છે કે 5 મૃતદેહ અને 10 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઘટનાની સૂચના મળતા જ સાત એમ્બ્યુલન્સ અને એક ફાયર વિભાગની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. બચાવકાર્ય હાલ પ્રગતિ પર છે. અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે તેમજ ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ શાંતિ સમિતિના નેતા મૃતકોમાં વહિદુલ્લા મહેસૂદ ઉર્ફે જીગરી મહેસૂદનો પણ સમાવેશ થાય છે.



