ટીમ ઈન્ડિયાએ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ટીમને 3-0થી ખતમ કરી દીધી હતી.
ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવ્યું હતું. આ જીતની સાથે જ શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમે વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું હતું. ભારતીય ટીમે પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને તેની ઘરઆંગણે વનડે શ્રેણીમાં પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતમાં ઓપનર શુભમન ગિલ (અણનમ 98)એ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ડકવર્થ લુઈસ નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ તેના બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા. પરિણામે સમગ્ર ટીમ 26 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન નિકોલસ પૂરન અને બ્રૈંડન કિંગ થોડો સમય વિકેટ પર ટકી શક્યા. કિંગ અને પૂરનએ 42-42 રનની ઇનિંગ રમી હતી.આ સિવાય માત્ર શાઈ હોપ (22) અને હેડન વોલ્શ જુનિયર જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સનો આવો કિસ્સો હતો કે તેના ચાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને બે, બે સફળતા મળી હતી જ્યારે ક્રિષ્ના અને અક્ષર પટેલ પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે ધવને જેસન હોલ્ડરની બોલ પર ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું, તો ગિલે જેડન સીલ્સની બોલ પર ચોગ્ગા સાથે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. શિખર ધવને પાછળથી જેડન સીલ્સ અને કીમો પોલની બોલીંગ પર ચોગ્ગા ફટકાર્યા અને પછી 12મી ઓવરમાં જેસન હોલ્ડર પાલે બે ચોગ્ગા સાથે ટીમનો સ્કોર 50 રનથી આગળ લઈ ગયો. બાદમાં, ધવને પણ કીમો પોલના બોલ પર બે રન બનાવીને 62 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.