આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળવાના છે. હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઑગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે આવામાં એનડીએના જગદીપ ધનખડ અને વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વામાંથી જે પણ જીતશે તે ઉપરાષ્ટ્રપતિ તરીકે 11 ઑગસ્ટે શપથ ગ્રહણ કરશે. જો કે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.
આજે સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને ત્યારપછી મતોની ગણતરી આજે જ કરવામાં આવશે અને સાંજે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના 223 સાંસદ, રાજ્યસભાના નોમિનેટ 12 સાંસદ અને લોકસભાના 543 સાંસદો મતદાન કરશે. આ રીતે કુલ 788 લોકો મત આપી શકશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ થવાને કારણે અત્યારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરના ક્વોટાની ચાર સીટ ખાલી પડી છે. ત્રિપુરાના મુખ્યમંત્રીના રાજીનામાને કારણે પણ એક સીટ ખાલી પડી છે.
આ રીતે રાજ્યસભાના સભ્યોની વર્તમાન સંખ્યા 228 જ છે. જ્યારે નોમિનેટ સાંસદોની પણ ત્રણ બેઠક ખાલી છે. એકંદરે અત્યારે કુલ 780 સાંસદો જ મતદાન કરશે. બંધારણની કલમ-66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ચૂંટણીના મતદારને ક્રમ આધારે મતદાન કરવાનું હોય છે. તેઓ બેલેટ પેપર પર રહેલા ઉમેદવારોને પોતાની પહેલી પસંદના ઉમેદવાર એક, બીજી પસંદના ઉમેદવારને બે અને અન્ય ઉમેદવારોને આગળની પ્રાથમિકતાના નંબર પર મતદાન કરી શકે છે.
આ સંપૂર્ણ પ્રક્રિયા ગુપ્ત પદ્ધતિથી હોય છે. મતદારે પોતાના ક્રમને માત્ર રોમન અંકના રૂપમાં જ લખવાનો હોય છે અને તેના માટે ખાસ પેન પણ આપવામાં આવે છે. મતોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના પર એક નજર કરીએ તો તમામ ઉમદેવારોને પહેલી પ્રાથમિકતાવાળા કેટલા મત મળ્યા છે. પછી તમામને મળેલી પહેલી પ્રાથમિકતાવાળા મતથી ગણવામાં આવે છે. કુલ સંખ્યાના બે ભાગ કરવામાં આવે છે અને ભાગાકાર કરાય છે. હવે જે સંખ્યા મળે છે તેને એક ક્વોટા માનવામાં આવે છે જે કોઈ પણ ઉમેદવારને ગણતરીમાં યથાવત રહેવા માટે જરૂરી હોય છે.
જો પહેલી ગણતરીમાં કોઈ ઉમેદવાર જીત માટે જરૂરી ક્વોટાના બરાબર અથવા તેના કરતાં વધુ મત હાંસલ કરી લ્યે છે તો તેને વિજેતા જાહેર કરી દેવામાં આવે છે. જો આવું ન થાય તો પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે. સૌથી પહેલાં એ ઉમેદવારને ચૂંટણીની રેસમાંથી બહાર કરવામાં આવે છે જેને પહેલી ગણતરીમાં સૌથી ઓછા મત મળ્યા હોય. આ ચૂંટણીમાં એનડીએ વતી જગદીપ ધનખડની પસંદગી કરવામાં આવી છે જ્યારે વિપક્ષ યુપીએ દ્વારા માર્ગરેટ આલ્વાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે એનડીએના સાંસદોની સંખ્યા તેમજ ક્રોસવોટિંગની શક્યતાને જોતાં જગદીપ ધનખડની જીત નિશ્ચીત માનવામાં આવી રહી છે.