આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારી, અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇને આગામી સમયમાં જે અધિકારીઓને એક જ જગ્યા પર ત્રણ વર્ષ થી વધુ સમય થયો હોય તેમની બદલીઓ નિશ્ચિત બની છે. વિધાનસભા ચૂંટણી નેજ અનુલક્ષીને મંગળવારે મોડી રાત્રે 23 ડીવાયએસપીની ટ્રાન્સફર જાહેર કરાઇ છે.
3 પીઆઇને ડીવાયએસપી તરીકે બઢતી સાથે બદલી કરાયા છે અને બોટાદ કેમિકલકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદમાં જે અધિકારીઓની જગ્યા ખાલી પડી હતી ત્યાં સાયબર ક્રાઇમના અમિત વસાવા અને કોસ્ટલ સિક્યુરિટીના કિશોર બાલોલિયાની નિમણુંક કરાઇ છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આચાર સંહિતાને આડે હવે માત્ર અઢીથી સાડા ત્રણ મહિના બાકી છે, ત્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જગ્યા પર ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓ અને કલેક્ટરોને ચૂંટણી પંચના નિયમ મુજબ બદલવા જરુરી છે.
હાલ 14 જેટલા અધિકારીઓ આઇએએસ તરીકે નોમિનેટ થઈને કલેક્ટર કે ડીડીઓનાં પદે નિયુક્તિની રાહ જોઈ રહ્યાં છે. આ 14 અધિકારીઓને આગામી સમયમાં મિમણૂકો અપાશે. તેમજ પ્રોબેશનર અધિકારીઓને પણ પ્રાંત અધિકારી તરીકે ચૂંટણીની જવાબદારી માટે સજ્જ કરવામાં આવશે.
આઇપીએસની વાત કરીએ તો ત્રણ શહેરના પોલીસ કમિશનર ઉપરાંત એડિશનલ ડીજીપી, નવ જેટલા ડીઆઈજી અને રેન્જ આઈજીપીની બદલી-બઢતી પણ પેન્ડિંગ છે.