કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે ત્યારે વિશ્વમાં દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધારનાર ખેલાડીઓ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે.ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેએ ટેબલ ટેનિસમાં મેડલ મેળવી ઝળક્યા છે.
મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા વડોદરા પહોંચ્યાં હતા. વડોદરા એરપોર્ટ પર રાધા અને યાસ્તિકાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બંને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડાલીસ્ટ ટીમનાં સભ્યો રહ્યા છે. બંનેએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. BCA અને મહિલા ક્રિકેટરો તરફથી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો હતો સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ મેચમાં રાધા યાદવનું રહ્યું શાનદાર પ્રદર્શન. ઢોલ નગારાના તાલે બંને ક્રિકેટરોનું સ્વાગત કરાયું છે. ખુલ્લા રથમાં બેસાડી બંનેનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમે સિંગાપોરને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાતની દીકરી ભાવિના પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી.