ગુરુવારે સુપ્રીમમાં એક ચુકાદા દરમિયાન આ ચુકાદો આવ્યો હતો જેમાં સુપ્રીમે એક આરોપીને છોડી મૂક્યો હતો. અને ચુકાદામાં કહ્યું હતું કે શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય પણ માત્ર શંકાનાં ધોરણે કોઈને સજા તો ન આપી શકાય.
ન્યાયમૂર્તિ બીઆર ગવઇ અને ન્યાયમૂર્તિ પી એસ નરસિંહાની બેન્ચે કહ્યું હતું કે આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે જ્યાં સુધી તેના પરનાં આરોપોને માત્ર શંકા નહી પણ પુરાવાઓનાં આધારે સાબિત કરવામાં ન આવે. બેન્ચે કહ્યું હતું કે આ સ્થાપિત કાયદો છે કે શંકા ગમે તેટલી મજબૂત કેમ ન હોય પણ શંકા પુરાવાથી ઉપરવટ નથી. જ્યારે પુરાવાઓનાં આધારે સાબિત ન થઈ શકે તો તેને દોષિત ન માની શકાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે હાલના કેસમાં વિરોધી પક્ષ ઘટનાઓની શ્રેણીને બેસાડીને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં એક આદેશને પડકારતી અપીલ પર સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે એક વ્યક્તિને IPC 1860 ની કલમ 302 એટલે કે હત્યા અને કલમ 201 એટલે કે પુરાવાઓનો નાશ કરવાનાં આરોપ હેઠળ દોષિત ઠેરાવીને ઉમરકેદની સજા આપી હતી.