છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના રસ્તે જેટલો ડ્રગ્સ આવ્યો છે તેટલો દેશના કોઈ રાજ્યમાં આવ્યો નહિ હોય. ગુજરાતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી બદલાઈ છે કે ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યુ છે. પહેલા ગુજરાતમાં બહારથી ડ્રગ્સ આવતુ હતું, પરંતું ગુજરાત હવે ડ્રગ્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એક જ દિવસમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ઝડપાઈ છે.
ભરૂચ જિલ્લા SOGની ટીમે મંગળવારે પુનઃ પાનોલી GIDC સ્થિત ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરી હતી. આ વખતે કંપનીમાંથી SOGની ટીમે અંદાજીત 90 કિલો MD ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત રુ. 80થી 100 કરોડ જેટલી થાય છે.
ભરૂચ બાદ વડોદરાના સાવલીમાં એક ફેક્ટરીમાં ગુજરાત ATSએ રેડ કરીને 200 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રુ. 1000 કરોડ જેટલી કિંમત થાય છે. ATSએ સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે. ATSની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ગુજરાત ATS દ્વારા વડોદરાના મોકસી ગામની કંપનીમાંથી 13 જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરીને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું.