વડોદરાના સાવલીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના ડ્રગ્સમાં સુરત કનેક્શન સામે આવ્યું છે. આ ઘટનામાં સુરતના મોટા વરાછાના મહેશ વૈષ્ણવ નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. 2 દિવસ પહેલાં જ મહેશ વૈષ્ણવને મધરાત્રે પોલીસ ઉઠાવી ગઇ હતી. તમને જણાવી દઇએ કે, મહેશ વૈષ્ણવ મોટા વરાછાના માર્વેલ લક્ઝુરિયા ફ્લેટમાં રહે છે. મહેશ વૈષ્ણવ મૂળ ધોરાજીનો વતની છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની બાજ નજર હતી. પરંતુ ઘર આંગણે વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6 મહિના બાદ ગુજરાત ATSએ 1125 કરોડ રૂપિયાની કિંમતનું 225 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, ગુજરાત ATSએ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 225 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ATSની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ત્યાર બાદ ડ્રગ્સ જપ્ત કરીને ગાડીઓમાં ભરવામાં આવ્યું હતું. તો વડોદરા બાદ ભરૂચમાં પણ પનોલી GIDCમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું હતુ. જેની કિંમત 80થી 100 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આમ રાજ્યમાં અલગ સ્થળેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.