ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એટલે કે ચૂંટણીમાં હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે. રાજ્યમાં તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી બનાવવાના છે. થોડા દિવસમાં શંકરસિંહ વાઘેલા આ નવી પાર્ટીની જાહેરાત કરશે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક નવી પાર્ટી લોન્ચ કરશે. શંકરસિંહ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે. શંકરસિંહ વાઘેલા ખુબ આ અંગે જાહેરાત કરશે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ શંકરસિંહે જન વિકલ્પના નામે પાર્ટી ઉભી કરી હતી.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સાથે મુલાકાત કરી છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મારા જનસંઘના જૂના મિત્ર શંકરસિંહ વાઘેલા સાથે આજે મુલાકાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, ‘આજે મેં જનસંઘના જૂના મિત્ર, પૂર્વ ધારાસભ્ય, સંસદ સભ્ય, કેન્દ્રીય મંત્રી અને જનસંઘના જનરલ સેક્રેટરી રહેલા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી. ભાજપ અને કોંગ્રેસ સાથે મતભેદ બાદ તેમની પોતાની પાર્ટી છે. પરંતુ તેઓ જ્યારે જનસંઘમાં હતા ત્યારે ખુબ સારા મિત્ર હતા. ઘણા વર્ષો પછી તેમની સાથે બેઠક કરી છે.’