UPI પેમેન્ટ પર ચાર્જ લગાડવાના રિપોર્ટ પર હવે સરકારે સત્તાવાર ખુલાસો કર્યો છે. નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા કરવામાં આવતી ચુકવણી પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. આરબીઆઈ એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે અંતર્ગત યૂપીઆઈ પેમેન્ટ કરવા પર ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ લેવામાં આવશે તેવી મીડિયામાં આવેલી ખબરો પર નાણા મંત્રાલયે સ્પસ્ટતા કરી છે.
નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સરકાર યુપીઆઈ સેવાઓ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાનું વિચારી રહી નથી. સર્વિસ પ્રોવાઈડર્સને સેવાઓ આપવાનો જે પણ ખર્ચ થશે તે બીજી રીતે ભરપાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ પેમેન્ટ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું છે અને તેના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાથી ડિજિટલ પેમેન્ટની સિસ્ટમને મોટો ફટકો પડશે.
આરબીઆઈના નવા પ્રસ્તાવ મુજબ તે યુપીઆઈ પેમેન્ટ કરવા પર પૈસા લેવા પર વિચાર કરી રહી છે. હકીકતમાં આરબીઆઈનું માનવું છે કે યુપીઆઈનો ઉપયોગ આઇએમપીએસ તરીકે થાય છે, તેથી ફંડ ટ્રાન્સફર માટે આઇએમપીએસની જેમ યુપીઆઇ પર પણ ચાર્જ લેવો જોઇએ. યુપીઆઈ ફંડ ટ્રાન્સફર સિસ્ટમના રૂપમાં નાણાંના રિયલ-ટાઇમ ટ્રાન્સફરની ખાતરી આપે છે. સાથે જ તે મર્ચન્ટ પેમેન્ટ સિસ્ટમ તરીકે રિયલ ટાઇમ સેટલમેન્ટની ખાતરી પણ આપે છે. જો સરકારે હાલ પૂરતો તો કોઈ ચાર્જ ન લેવાની વાત કરી છે પરંતુ ભવિષ્યમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડી શકે છે.