સંયુક્ત કિસાન મોરચાએ તેમની માંગણીઓને લઈને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર મહાપંચાયત અને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. જોકે દિલ્હી પોલીસે ખેડૂતોને જંતર-મંતર પર મહાપંચાયત યોજવાની મંજૂરી આપી નથી. દિલ્હી પોલીસ સ્પષ્ટપણે કહે છે કે, ખેડૂતોને મહાપંચાયત યોજવા દેવામાં આવી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ સાથે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી ખેડૂતો મહાપંચાયતમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચવા લાગ્યા છે.
દિલ્હીમાં ખેડૂતોને પ્રવેશતા રોકવા માટે પોલીસે રાજધાનીની તમામ સરહદો પર બેરીકેટ્સ લગાવી દીધા છે. સવારથી તમામ બોર્ડર પર પોલીસ દેખાઈ રહી છે. દિલ્હી ઉપરાંત નવી દિલ્હીની સરહદ રવિવાર રાતથી જ સીલ કરી દેવામાં આવી હતી. ખેડૂતો અને તેમના ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રકને નવી દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નવી દિલ્હીની તમામ સરહદો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમગ્ર દિલ્હી પોલીસને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આજે સામાન્ય જનતાને ટ્રાફિકને લઈને મોટી સમસ્યા થવા જઈ રહી છે. તેને જોતા દિલ્હી પોલીસે પ્રથમ એડવાઈઝરી જારી કરી છે. ટ્રાફિક પોલીસના નોટિફિકેશન મુજબ દિલ્હીમાં લગભગ ચારથી પાંચ હજાર ખેડૂતો એકઠા થવાની ધારણા છે. જેની સીધી અસર શહેરના ટ્રાફિક પર પડશે. તેને જોતા ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરવાની સાથે ડાયવર્ઝન માટે પ્લાન પણ તૈયાર કર્યો છે.