આમ આદમી પાર્ટીના સર્વેસર્વા- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને કાલે ભાવનગર આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલાની આશંકા વ્યક્ત કરીને પોલીસ સુરક્ષા વધારવા માંગ કરાઈ છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત પૂર્વે આજે સવારે આમ આદમી પાર્ટી (આપ)ના પ્રતિનિધિમંડળે ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) પાસેથી સલામતીની માંગ કરી છે. તેઓએ ચિંતા વ્યક્ત કરી છે કે બંને પર હુમલો થવાની સંભાવના છે.
મળતા અહેવાલ મુજબ આપના ગુજરાત ચૂંટણી ઇન્ચાર્જ અને લીગલ સેલના હેડ ગુલાબસિંહ યાદવ ગાંધીનગર સેક્ટર 18ના પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. તેમણે ડીજીપી આશિષ ભાટિયાને અરજી સુપ્રત કરી હતી. કેજરીવાલ અને સિસોદિયા 22 અને 23 ઓગસ્ટના રોજ અમદાવાદ, હિંમતનગર અને ભાવનગરની મુલાકાતે આવવાના છે ત્યારે તેમને મળનારી પોલીસ સુરક્ષામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.