કોરોના કાળ દરમ્યાન વિમાની ભાડા પર લાગુ મર્યાદા દૂર કરી દેવામાં આવ્યાની સાથે જ આવતા મહિનાથી વિમાની ભાડા ઘટવા લાગે તેવી શક્યતા છે. વિમાની કંપનીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે ભાડા ઘટવાનો તર્ક છે. દિલ્હી, ચેન્નઇ, મુંબઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા રુટના ભાડામાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે.
કોરોના કાળમાં ઓગસ્ટ 2020થી ડીરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન દ્વારા વિમાની ભાડા તથા મુસાફરોની સંખ્યા પર નિયંત્રણો-મર્યાદા મુકવામાં આવ્યા હતા. પરિણામે વિમાની ટીકીટ ભાડામાં તોતીંગ વધારો થવા લાગ્યો હતો. કોવિડ નિયંત્રણો દૂર થવા છતાં વિમાની કંપનીઓ ભાડા ઘટાડતી નહતી. હવે ઉડ્ડયન વિભાગે ભાડા મર્યાદા દૂર કરી દીધી છે. 1લી સપ્ટેમ્બરથી કોઇ ભાડા મર્યાદા નહીં રહે. જેને પગલે એરલાઈન્સ વચ્ચે સ્પર્ધા જવાની અને ભાડા ઘટવાની શક્યતા છે.
ટ્રાવેલ એજન્ટોના કહેવા પ્રમાણે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઇ, હૈદ્રાબાદ જેવા બીઝી રુટ પર તહેવારો દરમ્યાન પણ વિમાની ભાડા નીચા રહી શકે છે. ઉડ્ડયન વિભાગના આ પગલાને લો-કોસ્ટ એરલાઇન્સે વિરોધ કર્યો છે પરંતુ અન્ય એરલાઈન્સે આવકાર્યું છે.
અમદાવાદ-મુંબઈનું ભાડુ હાલ 5000 છે. 1લી સપ્ટેમ્બરથી તે 2672 આસપાસ થઇ શકે છે. હૈદ્રાબાદનું ભાડુ વર્તમાન 7000થી ઘટીને 5500 તથા ચેન્નઇનું વિમાની ભાડુ 9000થી ઘટીને 7000 થઇ શકે છે. દિલ્હીની વિમાની મુસાફરી 7000ને બદલે 4500થી 5000માં થવાની શક્યતા છે.