બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા આજે CBI અને EDએ બિહાર અને ઝારખંડમાં દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, CBIએ નોકરી માટે જમીન કેસમાં પટનામાં RJD MLC સુનીલ સિંહ અને રાજ્યસભા સાંસદ અશફાક કરીમ પર પણ દરોડા પાડ્યા છે.
બિહારમાં આરજેડી નેતા સીબીઆઈના દરોડા અહીં એવા સમયે પડ્યા જ્યારે બુધવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. આ તરફ હવે આરજેડી એમએલસી સુનીલ સિંહે કહ્યું, આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. તેનો કોઈ અર્થ નથી. તેઓ તપાસ એજન્સીઓનો ઉપયોગ એ વિચારીને કરી રહ્યા છે કે ડરથી ધારાસભ્યો તેમના પક્ષમાં આવશે.
દેશમાં ઝારખંડ, તમિલનાડુ, બિહાર અને દિલ્હીમાં 17 સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે EDએ ગેરકાયદે ખનન અને ખંડણીના મામલામાં દરોડા પાડ્યા છે. આ દરોડા પ્રેમ પ્રકાશ સાથે જોડાયેલા સ્થળો પર પાડવામાં આવી રહ્યા છે. પ્રેમ પ્રકાશના રાજકારણીઓ સાથે મજબૂત સંબંધો હોવાનું કહેવાય છે. ઝારખંડમાં સીએમ હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ બાદ આ દરોડો પાડવામાં આવ્યો છે.
વાસ્તવમાં આ મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. જેમાં એવો આરોપ છે કે, લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં તપાસ કર્યા બાદ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને એવા કેટલાક ઉમેદવારો સામે કેસ નોંધ્યો છે જેમને પ્લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં નોકરી આપવામાં આવી હતી.