કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે
વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ
પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી
જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે 16 મે 2026થી અમલમાં આવી ગયા છે.
નવા સુધારા મુજબ, ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી 23 પ્રતિ લિટરથી ઘટાડીને
16.5 કરવામાં આવી છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ડ્યુટી 33થી ઘટાડીને 16 પ્રતિ લિટર
કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય
રાખવામાં આવ્યો છે.ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક
બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ
પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને
સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયા સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની
કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલી સૈન્ય કાર્યવાહી
બાદ ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગયું છે, જે યુદ્ધ પહેલા 73 ડોલરની આસપાસ હતું.
સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય
કિંમતોનો અયોગ્ય લાભ ઉઠાવતા રોકવાનો છે.





