કોળિયાક,તા.૨
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક સહિત આસપાસના ૧૦થી વધુ ગામોમાં રાત્રીના અંદાજે ૨ વાગ્યાથી વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બપોરે ૧ વાગ્યા સુધી પણ વીજળી પુન:સ્થાપિત ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે જાહેરાત વિના સતત ૧૨ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાયો છે. વીજળી બંધ રહેવાના કારણે કોળિયાક ઉપરાંત હાથબ, મલેકવદર , કુડા સહીત ગામોમાં ઘરોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે, જ્યારે ગરમી અને બફારાના કારણે બાળકો, વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની છે. મોબાઇલ ર્ચાજિંગ, દૈનિક કામકાજ અને નાના વેપાર-ધંધાઓ પણ પ્રભાવિત થયા છે. ગ્રામજનો દ્વારા અનેક વખત ઘોઘા પંથકના ભુંભલી ફીડરના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન કોલ્સનો કોઈ જવાબ મળ્યો ન હોવાનું જણાવાયું છે. જવાબદાર તંત્ર તરફથી વીજ પુરવઠો ક્યારે પુન:શરૂ થશે તેની પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. લાંબા સમયથી વીજળી ગુલ રહેતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ અંગે સમયસર માહિતી આપવાની માંગ ઉઠાવી છે. તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


