વોશિંગટન,
અમેરિકા આગામી 17 જૂને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપેલી અસ્થાયી છૂટછાટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સેનેટ સમક્ષ આ અંગેના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બ્લોક થતાં વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની અસ્થાયી મંજૂરી આપી હતી. બે વખત લંબાવવામાં આવેલી આ રાહત હવે પુરી થઈ રહી છે, જેથી ભારત માટે ફરી તેલ આયાતનું સંકટ ઊભું થઈ શકે છે.
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% વધારાના ટેરિફને હટાવવાના બદલામાં ભારતે રશિયન તેલ ન ખરીદવાનો કરાર કર્યો હતો. હવે આ અસ્થાયી છૂટછાટ ખતમ થતાં દ્વિપક્ષીય કરાર મુજબ ભારતે રશિયા પાસેથી ખરીદી રોકવી પડી શકે છે.
અમેરિકા ઈચ્છે છે કે ભારત હવે પોતાની જરૂરિયાતો માટે વેનેઝુએલા તરફ વળે. વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ ત્યાં અમેરિકાનો પ્રભાવ વધ્યો છે. જો 17 જૂન પછી અમેરિકન ટ્રેઝરી વિભાગ છૂટછાટ નહીં લંબાવે, તો ભારતીય રિફાઇનરીઓએ તેલ આયાત માટે વેનેઝુએલા જેવા નવા વ્યૂહાત્મક વિકલ્પો શોધવા પડશે.


