ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત વશિષ્ઠ આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિના જતન અને યુવા પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુસર એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા, શિવ દીપ માળા અને ભવ્ય શિવ ભજનના ત્રિવેણી સંગમનો લ્હાવો ભાવિકોને મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં યજમાન હાર્દિક ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ જાણીતા ભાગવતાચાર્ય શૈલેષભાઈ કનાડાએ ઉપસ્થિત ભક્તજનોને ભગવાન સત્યનારાયણની કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં ભાવનગર શહેરના વિશાળ સંખ્યામાં શિવભક્તો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. અલૌકિક વાતાવરણ: કથા બાદ જાણીતા ગાયક કલાકાર શ્યામ મકવાણાએ શિવજીના ભજનોની એવી રમઝટ બોલાવી હતી કે સમગ્ર આશ્રમ પરિસર શિવમય બની ગયું હતું અને એક અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું.કાર્યક્રમના અંતે વશિષ્ઠ આશ્રમના પૂજ્ય મહંત પ્રેમદાસજી બાપુએ ઉપસ્થિત તમામ ભક્તોને આશીર્વચન પાઠવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજને કાળિયાબીડ વિસ્તારમાં ભારે ભક્તિભાવ જગાવ્યો હતો.





