rભાવનગર એસ.ઓ.જી. પોલીસના એ.એસ.આઈ. હરેશભાઈ ઉલ્વાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલીતાણા ટાઉન પોલીસ સાથે રાખીને તળેટી રોડ પર આવેલી ‘મયુર એન્ડ જય વાલમ ટ્રાવેલ્સ’ની ઓફિસમાં મધ્યરાત્રિએ રેઇડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ઑફિસમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો નશાકારક કફ સિરપની બોટલોનો જથ્થો ઝડપાઇ ગયો હતો.
પોલીસે પંચોની હાજરીમાં ઓફિસની તપાસ કરતા ત્યાં નોકરી કરતા મુકેશભાઇ હીમતભાઇ રાઠોડ ઉ.વ. ૩૮, રહે. બહારપરા, પાલીતાણાએ પ્લાસ્ટિકના ઝભલામાંથી જુદી જુદી કંપનીની કફ સિરપની કુલ ૧૮ બોટલો (૧૮૦૦ મિલી) રજૂ કરી હતી. આ બોટલો અંગે લાયસન્સ કે બિલ માંગતા તેની પાસે કોઈ આધારભૂત પુરાવા નહોતા. ઘટનાસ્થળે બોલાવવામાં આવેલા એફ.એસ.એલ. સાયન્ટિફિક ઓફિસર એ.એચ. ઇટાલીયા અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે તપાસ કરીને અભિપ્રાય આપ્યો હતો કે, આ સિરપમાં ‘Codeine Phosphate’ નું પ્રમાણ છે, જે એક નાર્કોટિક્સ ડ્રગ છે અને તેનો નશા તરીકે ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પકડાયેલા આરોપી મુકેશ રાઠોડની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે આ નશાકારક સિરપનો જથ્થો સુરત ખાતે રહેતા ગૌસ્વામી નામના વ્યક્તિ પાસેથી મંગાવીને અહીં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે રૂ. ૫,૪૦૦ ની કિંમતની કફ સિરપની ૧૮ બોટલો, રૂ. ૫,૦૦૦ ની કિંમતનો વિવો મોબાઇલ ફોન અને દસ્તાવેજો મળી કુલ રૂ. ૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાલીતાણા ટાઉન પોલીસે આરોપી મુકેશ રાઠોડની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલા સુરતના ગૌસ્વામી સહિત બંને ઈસમો વિરૂદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ ૮(સી), ૨૧(સી) અને ૨૯ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





