પડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચતા સ્થિતિ ભારે તણાવપૂર્ણ બની ગઈ છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે, તેણે પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને આતંકી સંગઠન ISIS-Kના ઠેકાણાઓ પર એક મોટી એરસ્ટ્રાઇક કરી છે. તાલિબાનના મતે, પાકિસ્તાન સ્થિત આ ઠેકાણાઓ પરથી અફઘાનિસ્તાનના નાગરિકો પર હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાન દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ તાલિબાને આ જવાબી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
તાલિબાનના જણાવ્યા અનુસાર, આ મોટી સૈન્ય કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરવામાં આવી છે. અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટ્સમાં પણ આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, તાલિબાનના ડ્રોન વિમાનોએ સીધા એ જ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાં ISIS-Kના આતંકીઓ છુપાયેલા હતા. આ ઓપરેશન દરમિયાન ખૈબર પખ્તુનખ્વાના સરાન વિસ્તારમાં આવેલી એક સ્કૂલ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે આતંકીઓ તેનો ઉપયોગ પોતાના ગુપ્ત ઠેકાણા તરીકે કરી રહ્યા હતા. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે, આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.
તાલિબાનનું આ આક્રમક પગલું રવિવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી બોમ્બમારોનો સીધો પલટવાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની એ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 28 નિર્દોષ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
બીજી તરફ, અફઘાનિસ્તાનના સરકારી પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે મૃતક નાગરિકોની સંખ્યા 38 જણાવી હતી, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. તાલિબાનનો આ તાજો હુમલો પાકિસ્તાનની એ જ કરતૂતનો જડબાતોડ જવાબ છે.
આ ગંભીર મામલે સોમવારે ભારતે પણ ખૂબ જ કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને અફઘાનિસ્તાન પર થયેલા પાકિસ્તાની હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. ભારતનું કહેવું છે કે, કોઈપણ દેશની સરહદમાં ઘૂસીને હુમલો કરવો એ તેના સાર્વભૌમત્વનું સીધું ઉલ્લંઘન છે, જેનાથી સમગ્ર વિસ્તારની શાંતિ જોખમાય છે. ભારતે પાકિસ્તાન પર પ્રહારો કરતા સાફ શબ્દોમાં જણાવ્યું કે, પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે હંમેશા પડોશી દેશો પર આવા હુમલા કરતું આવ્યું છે.
હાલની પરિસ્થિતિ જોતા પાકિસ્તાન હંમેશની જેમ અફઘાનિસ્તાન પર આતંકીઓને આશરો આપવાનો આરોપ લગાવી રહ્યું છે, જ્યારે તાલિબાનનું સ્પષ્ટ કહેવું છે કે આતંકવાદ એ પાકિસ્તાનની પોતાની જ પેદા કરેલી આંતરિક સમસ્યા છે. હવે તાલિબાનની આ તાજી એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે સીધા યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ અનેકગણું વધી ગયું છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.






