ભાવનગર,તા.1
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વલ્લભીપુર-ભાવનગર હાઈવે પર હોટલ ક્રિષ્ના પાસે ફિલ્મી ઢબે પાયલોટિંગ સાથે થતી દારૂની હેરાફેરી પકડી પાડી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી 11 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે વલભીપુર હાઇવે પર એક કાળા કલરની સ્કોર્પિયો કાર (GJ-25-AA-2697) માં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે અને એક સફેદ વેગનઆર કાર (GJ-13-CD-4784) તેનું પાયલોટિંગ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ક્રિષ્ના હાઈવે પર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળા વાહનો નીકળતા બન્ને શંકાસ્પદ વાહનોને અટકાવ્યા હતા અને તલાસી લેતા સ્કોર્પિયો કારમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયારણો જથ્થો મળી આવ્યો હતો .તપાસ દરમિયાન ખુલ્યું હતું કે વેગનઆર કારમાં સવાર બોટાદનો હરેશ ઉર્ફે મુન્નો માલા પોલીસથી બચવા માટે આગળ ચાલીને સ્કોર્પિયોનું પાયલોટિંગ કરી રહ્યો હતો. જ્યારે સ્કોર્પિયો કાર ચલાવતા સુરેન્દ્રનગરના હિતેશ ધાંધલની અટકાયત કરી તલાશી લેતા સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે મુદ્દામાલ શિહોર પોલીસ સ્ટેશને લઈ જઈ ગણતરી કરવામાં આવી હતી.
પોલીસે સ્કોર્પિયોમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧,૮૦૬ બોટલો અને ૩૮૦ બિયરના ટીન જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ.૩,૨૫,૫૨૨ થાય છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.૮૦,૦૦૦ ની કિંમતના ૩ મોબાઈલ (આઈફોન અને વિવો સહિત) તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલી બન્ને કાર મળીને કુલ રૂ.૧૧,૦૫,૫૨૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓની પૂછપરછમાં કબૂલાત થઈ છે કે આ દારૂનો જથ્થો પાળિયાદ રોડથી ભરીને શિહોરના ભોલાભાઈ નામના શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી, માલ મંગાવનાર શિહોરના વોન્ટેડ આરોપી ભોલાભાઈ સહિત તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




