ભાવનગર,તા.૭
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩,૭૦૦થી વધુ જર્જરિત મકાનો વર્ષોથી મોત સમાન ઝળુંબી રહ્યા છે. આ ગંભીર જોખમને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ચોમાસા પહેલા તમામ મકાનોને નોટિસ આપવામાં આવી હતી. રહીશો દ્વારા મકાનો ખાલી ન કરાતા આખરે અતિશય જોખમી મકાનોના નળ, ગટર અને વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. મકાનો ખાલી થતાં જ તંત્રએ ભરતનગરના મારુતિનગર અને કૈલાશનગરમાં કુલ ત્રણ બ્લોકના ૪૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કર્યા હતા.
હાઉસિંગ બોર્ડ આગામી દિવસોમાં પણ આ ડિમોલિશનની કામગીરી ચાલુ રાખશે. ભરતનગરના શિવનગર, મારુતિનગર અને કૈલાશનગર વિસ્તારના વધુ ૭ બ્લોકના ૮૫ મકાનો તોડી પાડવાની તૈયારી કરી લેવાઈ છે. બીજી તરફ, ઘરવિહોણા બનેલા કૈલાશનગરના રહીશોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને આક્રોશ સાથે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવા તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી.





