ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલ લાખાજીનગર, રામદેવનગર, મારુતિનગર અને બાપુનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ લાઈન વર્ષો જૂની થઈ ગઈ છે. બાપુનગર પમ્પિંગ સ્ટેશનથી રૂવા બાલયોગીનગર પમ્પિંગ સ્ટેશન સુધીની આ લાઈનમાં અવારનવાર ભંગાણ સર્જાય છે. તાજેતરમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ સ્થળોએ ભંગાણ થતાં ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યા વધી ગઈ છે, જેના કારણે સ્થાનિક નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક નગરસેવકોની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનરે અધિકારીઓને તાત્કાલિક સર્વે હાથ ધરીને ડ્રેનેજ લાઈનના અપગ્રેડેશન માટેની તકનિકી કામગીરી ઝડપથી શરૂ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, મંત્રેશથી બાલા હનુમાન જતાં રિંગ રોડ પર આવેલા ખુલ્લા નાળાનું પણ નિરીક્ષણ કરાયું હતું. આ નાળાને શક્યતા મુજબ આર.સી.સી. બોક્સ કલવર્ટમાં રૂપાંતરિત કરવા તેમજ બાલયોગીનગરથી સોમનાથ વિસ્તાર તરફના નાળાની યોગ્ય સફાઈ કરી તેને ખુલ્લો કરવા આદેશ અપાયા છે, જેથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ અને પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા આ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.



