ગઈકાલે તા.16ના રોજ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના અવસરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પો, પ્રાથમિક સારવાર ટુકડી તથા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ, શિવ વિહાર ટ્રસ્ટ જગન્નાથજી મંદિર, હિન્દૂ યુવા સંગઠન અને જિલ્લા વહીવટી અને પીલીસ તંત્રનો સહયોગ રહ્યો હતો.
રથયાત્રા નિમિતે જગન્નાથજી મંદિર (સુભાષનગર), ઘોઘાગેટ ચોક, રોલી પોલી કેક શોપ (રૂપાણી સર્કલ), ભરતનગર બસ સ્ટેન્ડ, નિલમબાગ સર્કલ, જશોનાથ સર્કલ તથા ક્રેસન્ટ સર્કલ સહિત કુલ 7 સ્થળોએ રક્તદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.આ સમગ્ર સેવાકીય અભિયાનને શહેરના નાગરિકો, યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ભગવાન જગન્નાથજીના આશીર્વાદરૂપે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એકત્રિત થયેલું રક્ત આગામી સમયમાં દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.
રથયાત્રા દરમિયાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પ્રાથમિક સારવાર ટુકડીએ યાત્રાળુઓને જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી તેમજ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પણ સતત કાર્યરત રાખવામાં આવી હતી, જેના કારણે અનેક લોકોને સમયસર સારવારનો લાભ મળ્યો હતો.રથયાત્રા પૂર્વે આરટીઓ વિભાગ અને રેડક્રોસ સોસાયટીમાં રથયાત્રામાં સેવા આપનાર સરકારી વાહનો તેમજ રથયાત્રામાં જોડાનાર વાહનોના ડ્રાઈવરની તેમજ સુરક્ષાકર્મીની આરોગ્ય તપાસ અને આંખોના તપાસનો કેમ્પ યોજાયો હતો
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા આ સેવાકાર્યમાં સહભાગી બનેલા ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ, તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓ, સેવાભાવી કાર્યકરો, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, પ્રાથમિક સારવાર ટુકડી, એમ્બ્યુલન્સ ટીમ, પોલીસ તંત્ર, આરટીઓ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, શિવવિહાર ટ્રસ્ટ ,જગન્નાથજી મંદિર ટ્રસ્ટ તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સંસ્થાઓ અને નાગરિકોનોઆભાર વ્યક્ત કરાયો હતો.





