ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી .
ગારીયાધાર પોલીસ મથકના પી.આઈ. આર.ડી. રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો લખમણભાઈ ભમ્મર, રવિભાઈ બારૈયા, અજયભાઈ મકવાણા અને એમ.કે. મકવાણા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પાલીતાણા રોડ પર એચ.પી. પેટ્રોલ પંપ સામે બજરંગનગર વિસ્તારમાં રહેતો તનવીર મહેબુબભાઈ રાઠોડ પોતાના ઘરમાં વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઘરની તલાશી લેતા રૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તે જ વિસ્તારમાં રહેતા આદિલ યુસુફભાઈ મહેતર પાસેથી લાવ્યો હતો. પોલીસે દારૂ સાથે ઝડપાયેલા તનવીર રાઠોડ (ઉ.વ. ૨૮) ની અટકાયત કરી છે અને તેને દારૂ આપનાર આદિલ મહેતર સહિત બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



