ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 5.25% પર યથાવત રાખ્યો છે. તેનો અર્થ એ છે કે હાલમાં હોમ, કાર અને પર્સનલ લોન ન તો સસ્તી થશે અને ન તો તેમની EMIમાં કોઈ ફેરફાર આવશે. RBI ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 5 ઑગસ્ટે નિર્ણયો અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી અસ્થિરતા અને તેનાથી વધેલા મોંઘવારીના દબાણને ધ્યાનમાં રાખીને હાલમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. EMIમાં હાલમાં કોઈ ફેરફાર નહીં થાય: RBIએ રેપો રેટ 5.25% પર જ રાખ્યો છે. તેથી જેમની હોમ, કાર કે પર્સનલ લોન રેપો રેટ સાથે જોડાયેલી છે, તેમની EMI કે લોનના વ્યાજ દરમાં હાલમાં કોઈ ફેરફાર થશે નહીં. નવી લોન પણ વર્તમાન વ્યાજ દર પર મળશે: બેંકો હાલમાં હોમ, કાર અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરશે નહીં. નવી લોન પણ વર્તમાન દરો પર જ મળવાની શક્યતા છે.
રેપો રેટ સ્થિર રહેવાથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં પણ તાત્કાલિક ફેરફારની અપેક્ષા નથી. જોકે, આખરી નિર્ણય દરેક બેંક પોતાની જરૂરિયાત મુજબ લેતી હોય છે. RBI દ્વારા રેપો રેટમાં ફેરફાર ન કરવાનો અર્થ એ નથી કે તમામ બેંકો પોતાના વ્યાજ દરોમાં બિલકુલ ફેરફાર નહીં કરે. બેંકો તેમના ફંડિંગ ખર્ચ, ડિપોઝિટ અને બજારની સ્થિતિના આધારે સીમિત ફેરફાર કરી શકે છે.
રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની બીજી બેઠક જૂનમાં કરી હતી. તેમાં રેપો રેટને 5.25% પર યથાવત રાખ્યો હતો. જોકે, 2027માં મોંઘવારીના અંદાજને 4.6%થી વધારીને 5.1% કરવામાં આવ્યો હતો. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાવાની છે, આ આ નાણાકીય વર્ષની ત્રીજી બેઠક છે. પ્રથમ બેઠક એપ્રિલમાં થઈ હતી.




