બાંગ્લાદેશમાં Gen-Z આંદોલન પછી શેખ હસીના સરકારના તખ્તાપલટના બુધવારે બે વર્ષ પૂરા થઈ ગયા. પરંતુ આ બે વર્ષોમાં શેખ હસીના બાંગ્લાદેશને ભૂલ્યા નથી. તે આજે પણ બાંગ્લાદેશ પરત ફરવાની વાત કરી રહ્યા છે. ગઇકાલે બુધવારે તેમના સંબોધન પછી બાંગ્લાદેશ ભડકી ગયું છે. તેમના ઈવેન્ટ સાથે જોડાયેલા ક્રિકેટર અને તેમની પાર્ટીના સાંસદ રહેલા શાકિબ અલ હસનના ઘર પર હુમલો પણ થયો. બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા.
આ પહેલા બુધવારે નવી દિલ્હી સ્થિત The Foreign Correspondents Club Of South Asiaની એક પ્રેસ કોન્ફરન્સમાં શેખ હસીના વર્ચ્યુઅલી જોડાયા. અને તેમણે અહીંથી પોતાના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે બાંગ્લાદેશના લોકોએ છેલ્લા બે વર્ષમાં ઘણું દર્દ સહન કર્યું છે, ચારેય તરફ ડર ફેલાઈ ગયો છે, અને આ ડરને ખતમ કરવા માટે આ વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે, પછી ભલે એવું કર્યા પછી તેમનો જીવ જ કેમ ન જતો રહે.
લગભગ 25 મિનિટના તેમના સંબોધનમાં સુરક્ષા કારણોસર તેમનો કેમેરો બંધ હતો, તેથી માત્ર તેમનો અવાજ સંભળાતો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વર્તમાન સરકાર તેમને ખોટા કેસો, મૃત્યુદંડ અને દેખાડાની સુનાવણીથી ડરાવી શકતી નથી. વિદ્યાર્થી આંદોલન અને હંગામા દરમિયાન બાંગ્લાદેશ છોડવા અંગે તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓ પીએમ આવાસ તરફ વધી રહ્યા હતા, અને તેમની પાસે તે સમયે નીકળવા માટે માત્ર 30 થી 40 મિનિટ જ હતી. પરિસ્થિતિ એવી બની કે તેમને દેશ છોડવો પડ્યો. પરંતુ તે પાછા જરૂર ફરશે. તેમના જણાવ્યા મુજબ તે મજબૂરીમાં દેશ છોડીને ગયા હતા.
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની નવી દિલ્હીથી થયેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને લઈને બાંગ્લાદેશે ભારત સામે કડક વિરોધ નોંધાવ્યો છે. ઢાકાએ દાવો કર્યો કે તેમણે આ કાર્યક્રમની સંભવિત અસરને લઈને પહેલાથી જ ભારત સરકારને ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં તેને આયોજિત થવા દેવામાં આવ્યો. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે તેને બંને દેશોના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો માટે નુકસાનકારક ગણાવ્યું અને કહ્યું કે આ ઘટનાથી ત્યાંની જનતાની લાગણીઓ પણ દુભાઈ છે.






