ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામના કાદવાળી વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ૭૦ વર્ષીય હમલુભાઈ રૂડુભાઈ કંટારીયા પોતાની વાડીએથી મોણપર ગામ તરફ મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન માતલપર-ખારી અને મોણપર-ડુંગરપર ચોકડી પાસે સામેથી આવતા ગામના જ કેશુભાઈ નાથાભાઈ રાઠોડે પોતાનું મોટરસાયકલ રોંગ સાઈડમાં ચલાવી હમલુભાઈના બાઇક સાથે અથડાવી દીધું હતું, જેને કારણે તેઓ નીચે પડી ગયા હતા.
અકસ્માત બાદ કેશુભાઈએ બચાવવાને બદલે હમલુભાઈ પર ચડી જઈને ઢીકાપાટુથી આડેધડ માર માર્યો હતો. આ સમયે નજીકની વાડીમાંથી તેમનો દીકરો વલ્લભ દોડી આવતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો અને જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે શારીરિક દુખાવો થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત હમલુભાઈને બગદાણા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી અને વધુ સારવાર અર્થે મહુવા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂત હમલુભાઈ રૂડુભાઈ કંટારીયાએ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






