કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બુધવારે કહ્યું- સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ગૃહને ચાલવા દે. આજે 3 વાગ્યાથી ચર્ચા શરૂ કરો. હું ગૃહમાં બેસીશ, બધાને સાંભળીશ અને કાલે 3 વાગ્યે બધાને જવાબ આપીશ. રાંચીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને ઝારખંડ ભાજપના સાંસદો રાહુલ ગાંધી પાસે જવાબ માગી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષનું રામ મંદિર ચઢાવો ચોરી અને જંતર-મંતર પર લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે.
સંસદના ચોમાસું સત્રના 18મા દિવસે પણ સત્તાપક્ષ અને વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. બુધવારે બંને ગૃહોમાં હોબાળો થયો, જે બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે. અમિત શાહે કહ્યું કે સત્ર શરૂ થયા પછી તેઓ દરરોજ સંસદ આવી રહ્યા છે અને પોતાના ચેમ્બરમાં હાજર રહે છે, પરંતુ વિપક્ષ બંને ગૃહોને ચાલવા દેતો નથી. તેમણે કહ્યું કે જ્યારે સંસદની કાર્યવાહી જ ચાલવા દેવામાં નથી આવી રહી તો ગૃહમાં જવાનો શું અર્થ છે. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે.અમિત શાહે આગળ કહ્યું- હવે જનતા નક્કી કરે કે વાસ્તવમાં કોણ ભાગી રહ્યું છે.ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી. તેઓ આ મુદ્દા પર ચર્ચાની સાથે-સાથે એ વાત પર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે કે વિપક્ષ ચર્ચા કેમ કરવા માંગતો નથી.






