દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના દેખાવો પછી શુક્રવારે ફરી એક વખત જંતર-મંતર પર યુવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ વખતે યુજીસીના ઈક્વિટી નિયમો અને અનામતના વિરોધમાં હજારો સવર્ણો શુક્રવારે જંતર-મંતર પર ઉમટી પડયા હતા. જોકે, દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સે અડધી રાતે સવર્ણ દેખાવકારોને ધરણાં સ્થળેથી ખદેડયા હતા. અનેક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. બીજીબાજુ અનામત વિરોધી આંદોલનથી ગભરાયેલી કેન્દ્ર સરકારે પીછેહઠ કરતા યુજીસીના ઈક્વિટી નિયમો મુદ્દે પુનઃ વિચારણા કરવા તૈયારી દર્શાવી છે.
યુજીસીના ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ના નવા નિયમો તથા અનામત વ્યવસ્થામાં પરિવર્તનની માગણી કરતા હજારો દેખાવકારો શુક્રવારે હાથમાં બેનર, પોસ્ટર અને ભગવા ઝંડા લઈને જંતર-મંતર પર ઉમટી પડયા હતા. તેમણે કહ્યું કે, અનામત મુદ્દે તેમનો કોઈ વિરોધ નથી. તેઓ માત્ર એટલું ઈચ્છે છે કે અનામતનો લાભ એવા લોકોને મળે જેમને ખરેખર તેની જરૂર છે. તેમણે જાતિના બદલે આર્થિક આધારે અનામતની માગણી કરી છે. દેખાવોમાં અનેક લોકોએ એસસી-એસટી કાયદાનો પણ વિરોધ કર્યો હતો.જોકે, યુજીસીના ઈક્વિટી નિયમો અને જાતિ આધારિત અનામતના વિરોધમાં એકત્ર થયેલા હજારો દેખાવકારોને દિલ્હી પોલીસ અને રેપીડ એક્શન ફોર્સે શુક્રવારે મોડી રાતે હટાવવાનું શરૂ કર્યું હતું. અનેક દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી જ્યારે અનેક લોકોને જંતર-મંતર પરથી મારીને ભગાડી દેવાયા હતા.
દરમિયાન યુજીસીના ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ના નવા નિર્દેશોને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈના અધ્યક્ષપદે બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કહેવાયું હતું કે, યુજીસીના નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોને માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો સુધી જ મર્યાદિત રખાયા છે જ્યારે સામાન્ય વર્ગને તેમાંથી બહાર રખાયા છે.કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, યુજીસીના ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ નિયમો અંગે કેન્દ્ર સરકાર પુનઃ વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સરકારને આ મુદ્દે ચાર સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમે નિર્દેશ આપ્યા છે કે બધા જ અરજદારોએ ઉઠાવેલા મુદ્દાઓનો સમાવેશ કરતા વ્યાપક જવાબી સોગંદનામું દાખલ કરવામાં આવે. સોગંદનામાની નકલ અરજદારોને પણ આપવાની રહેશે. સરકારનું સોગંદનામું મળ્યા પછી અરજદારો બે સપ્તાહમાં તેમનો જવાબ દાખલ કરી શકે છે.






