છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ ખાતે શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. દિલ્હીથી બિલાસપુર આવેલી એલાયન્સ એરના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું. વિમાનમાં ૩૭ પ્રવાસીઓ તથા કેબિન ક્રુ ના ચાર સભ્યો બેઠા હતા. ટાયર ફાટયા પછી તમામ ૪૧ જણને સુરક્ષિતપણે વિમાનમાંથી બહાર ઉતારી લેવાયા.
શુક્રવારે સવારે ૧૧ના સુમારે એલાયન્સ એરની ફ્લાઈટ ૯ આઈ ૬૧૩ દિલ્હીથી બિલાસપુર પહોંચતા જ લેન્ડિંગ વખતે વિમાનનું ડાબી તરફનું ટાયર પંકચર થઈ ગયું એ પછી એરપોર્ટ ખાતે તુર્ત જ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. આ બનાવ પછી વિમાનમાં બેટેલા પ્રવાસીઓ અને ક્રૂ ના સભ્યોને રનવે થઈને સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવ્યા. બધાને એરપોર્ટના ટર્મિનલ ભવનમાં લઈ જવાયા. ટાયર ખરાબ હોવાથી વિમાનનો આગળનો પ્રવાસ રદ કરી દેવાયો. આ વિમાન બિલાસપુરથી આગળ જવાનું હતું.
બનાવના પગલે વિમાનની ટેકનિકલ તપાસ અને આવશ્યક પ્રક્રિયા કરાઈ રહી છે. એરલાઈને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. બધા પ્રવાસીઓ અને પાઈલોટ – જૂથના સભ્યોને સુરક્ષિતપણે ટર્મિનલ સુધી પહોંચતા કરાયા. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર કેવી રીતે ફાટયું. એની વિસ્તૃત વિગતો હજી જાણવા મળી નથી. એરલાઈન અધિકારીઓ એ મુદ્દે તપાસ કરી રહ્યા છે. વિમાનમાં તકનીકી ખરાબી હતી કે લેન્ડિંગ વખતે બીજા કોઈ કારણસર ટાયર પંકચર થયું, એ તપાસ પછી જ સ્પષ્ટ થશે. વિમાનમાં ઊભી થયેલી તકનીકી સમસ્યાની અસર બિલાસપુરથી પ્રયાગરાજ જનારા ઉડ્ડયન પર પણ પડી. તકનીકી કારણોના લીધે પ્રયાગરાજ જનારી ફ્લાઈટને રદ કરી દેવાઈ, જેના લીધે પ્રવાસીઓ પરેશાન થયા. એમને એ વિમાન – પ્રવાસ સદ થયો હોવાનું જણાવી દેવાયું છે.





