અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. ઈરાન દ્વારા અમેરિકન નૌસેનાના જહાજ પર મિસાઇલ હુમલાના પ્રયાસ બાદ, અમેરિકાએ જડબાતોડ જવાબ આપતાં ઈરાન સાથે જોડાયેલા 5 ઓઈલ ટેન્કરોને તબાહ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ મધ્ય પૂર્વના ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વિશ્વભરમાં કાચા ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ મુજબ, ઈરાને છેલ્લા બે દિવસમાં અમેરિકન નૌસેનાના જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઇલો દાગી હતી. જોકે, આ હુમલામાં અમેરિકાનું જહાજ બચી ગયું હતું અને કોઈ સૈનિકને ઈજા થઈ નહોતી. ઈરાનના આ હુમલાના જવાબમાં અમેરિકન સેનાએ ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક રહેલા ઈરાનના 5 ઓઈલ ટેન્કરોને ટાર્ગેટ કરીને તેને સંપૂર્ણપણે નકામા બનાવી દીધા છે.અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જહાજો પર હુમલો કરતા પહેલાં જ તેમાં સવાર ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર નીકળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ હુમલામાં જે 5 ટેન્કરોને નિશાન બનાવાયા છે તેમાં M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1, M/T Riesco અને M/T Derya નો સમાવેશ થાય છે. આ તમામ જહાજો ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના ઓઇલ નેટવર્ક સાથે જોડાયેલા હતા.
અમેરિકન સેનાના આરોપ મુજબ, આ ઓઈલ ટેન્કરો દ્વારા ઈરાન અબજો ડોલરની કમાણી કરતું હતું, જેનો ઉપયોગ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેના સહયોગી સંગઠનોને ફંડ આપવા માટે થતો હતો. આ આર્થિક મદદ રોકવા માટે અમેરિકાએ આ ઓઈલ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. અમેરિકાના આ પગલાં બાદ ઈરાને પણ સખત વલણ અપનાવ્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણી આપી છે કે કુવૈત અને બહરીનના જે બંદરો પર અમેરિકન સેના હાજર છે, ત્યાં ઊભેલા ઓઈલના જહાજોને હવે નિશાન બનાવવામાં આવશે. ઈરાને તે જહાજોના કર્મચારીઓને તાત્કાલિક વિસ્તાર છોડી દેવાની સૂચના આપી દીધી છે, જેથી ખાડી દેશોમાં ભયનો માહોલ છે.બંને દેશો વચ્ચેના વધતા તણાવની સીધી અસર દરિયાઈ વેપાર પર પડી રહી છે. વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઈલ માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર સામાન્ય જહાજોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. આ કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચી ગયા છે.






