આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મુદ્દે એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમેડોઈ અને ઓપનએઆઈના સીઈઓ સામ ઓલ્ટમેન ડરામણું ચિત્ર રજૂ કરતાં એઆઈથી માનવજાતને જોખમો અંગે નવી ચર્ચા છેડાઈ છે. આ ચર્ચામાં માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ કૂદી પડયા છે. તેમણે કહ્યું કે, એઆઈ પરગ્રહવાસી સમાન છે અને તેનો સામનો કરવા માટે આજની દુનિયા તૈયાર નથી. એટલું જ નહીં દુનિયાની વર્તમાન સરકારો પાસે પણ એઆઈ માટે કોઈ યોજનાઓ નથી. બિલ ગેટ્સના આ નિવેદનોથી એઆઈ અંગે દુનિયામાં ડરનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તેવા સમયે ટેક્નોલોજીના આ ક્ષેત્રમાં અમેરિકા સાથે સ્પર્ધા કરતા ચીન સુપર પાવર બની રહ્યું છે.
વૈજ્ઞાાનિકો અને ટેક્નોલોજી ઉદ્યોગ દુનિયામાં એઆઈથી ઊભા થનારા જોખમો અંગે ચેતવણી આપી રહ્યા છે. આવા સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મુદ્દે બિલ ગેટ્સે ચેતવણીના સૂરમાં જણાવ્યું કે, દુનિયાની કોઈપણ સરકાર અત્યારે એઆઈથી સમાજમાં આવનારા મોટા પરિવર્તનો સામનો કરવા માટે તૈયાર નથી. એઆઈથી નોકરીઓ પર અસર પડી શકે છે, સાયબર હુમલાનું જોખમ વધી શકે છે. લોકોને એઆઈ સાથે વાતચીત કરવાની લત લાગી શકે છે. એટલે કે લોકો એઆઈના એડિક્ટ બની શકે છે.ગેટ્સે એવી પણ ચેતવણી આપી કે કંપનીઓ વધુ શક્તિશાળી એઆઈ બનાવવા સ્પર્ધા કરી રહી છે ત્યારે સરકારોએ હવે માત્ર એઆઈનો ફાયદો જોવાના બદલ તેની અસરોનો સામનો કરવાની પણ તૈયારી કરવી પડશે.એઆઈનો જેટલી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેની સામે સરકારની તૈયારીઓ ઘણી પાછળ છે.
ગેટ્સે જણાવ્યું કે, એઆઈથી સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય જરૂરી ક્ષેત્રોમાં મોટા પરિવર્તન આવી શકે છે, પરંતુ માનવ માટે જરૂરી ક્ષેત્રોમાં તેના વિકાસની ગતિ સાથે સાયબર ગુના, નોકરીઓના સર્જન, યુદ્ધોમાં એઆઈના ઉપયોગ, ડિજિટલ સાથી કે જેમાં લોકોને એઆઈ સાથે વાત કરવાની લત લાગી જાય છે આ એવા ક્ષેત્રો છે એઆઈમાં પ્રભુત્વ જમાવવા માટે અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. અમેરિકા લાંબા સમયથી એઆઈમાં વર્ચસ્વ ધરાવતું હતું, પરંતુ ચીન ટેક્નોલોજીમાં ઝડપથી આગેકૂચ કરીને અમેરિકાથી આગળ વધી સુપરપાવર બનવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગે બિલ ગેટ્સે કહ્યું કે, એઆઈમાં સ્પર્ધા માત્ર ચીન અને અમેરિકા વચ્ચે મર્યાદિત ના રહેવી જોઈએ.
એઆઈ ટેક્નોલોજીમાં ચીન તિવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. બેઈજિંગ સ્થિત સ્ટાર્ટઅપ મૂનશોટ એઆઈએ કિમિ-કે૩ લોન્ચ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. જુલાઈમાં આ મોડેલ વૈશ્વિક રેન્કિંગમાં એન્થ્રોપિકના ક્લાઉડ ફેબલ-૫ અને ઓપનએઆઈના જીપીટી-૫.૬ પછી ત્રીજા ક્રમે હતું. ચીનના એઆઈ મોડેલ ડીપસીકે વૈશ્વિક બજારમાં ચીનના એઆઈ મોડેલ અમેરિકાને પડકારી શકે તેવા હોવાની ક્ષમતા પૂરવાર કરી હતી. આમ, ચીન એઆઈમાં અમેરિકાને પડકારી રહ્યું છે.






