રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મુદ્દે અમેરિકાની બેવડી નીતિ પ્રકાશમાં આવી છે. જેમાં અમેરિકા એક તરફ ભારત અને ચીનને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મુદ્દે 100 ટકા ટેરિફની ધમકી આપે છે. તો બીજી તરફ અમેરિકા તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે રશિયા પાસેથી અન્ય ઉત્પાદનોની આયાત કરે છે.
યુએસ વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2025માં અમેરિકાએ રશિયા સાથે કુલ 5.9 અબજ ડોલરનો વેપાર કર્યો હતો. આ આંકડો વર્ષ 2024ની સરખામણીમાં 14.4 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2025માં રશિયાથી અમેરિકાની આયાત કુલ 3.8 અબજ ડોલરની રહી હતી. જે વર્ષ 2024ની તુલનામાં 25.6 ટકા નો વધારો સૂચવે છે. આ ઉપરાંત યુરોપિયન દેશોને પણ રશિયા પાસેથી ગેસની આયાત કરવાની સ્વતંત્રતા છે. જેમાં વર્ષ 2025માં રશિયા પાસેથી યુરોપિયન યુનિયનની કુદરતી ગેસની આયાત અંદાજે 36-38 અબજ ક્યુબિક મીટર (bcm) હતી. જે યુરોપિયન યુનિયનની કુલ ગેસ આયાતના લગભગ 12-13 ટકા હિસ્સો ધરાવે છે.
યુરોપિયન દેશો રશિયા પાસેથી LNGની આયાત પણ ચાલુ રાખી રહ્યા છે. ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન અને નેધરલેન્ડ જેવા દેશો રશિયન LNG મેળવી રહ્યા છે. વર્ષ 2026ના શરૂઆતના મહિનાઓમાં પણ LNGની આયાતમાં વધારો નોંધાયો હતો. યુરોપિયન યુનિયન વર્ષ 2027 સુધીમાં રશિયન ગેસનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવાની યોજના ધરાવે છે. પરંતુ હાલ પૂરતું વર્તમાન લાંબા ગાળાના કરારો હેઠળ આયાત ચાલુ છે.




