સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને ગુરુવારે સંબોધિત કરતી વખતે નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના ગંભીર પડકારો સામે એકત્ર થઈને લડવા માટે વિશ્વ સમુદાયને હાકલ કરી છે. તેમણે નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી ભોટેકોશી-ત્રિશૂલી આપદાનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, આ ઘટના કોઈ સ્થાનિક આપત્તિ માત્ર નથી પરંતુ સમગ્ર માનવજાત માટે લાલ બત્તી સમાન છે.
મુશ્કેલીના આ સમયમાં નેપાળની પડખે ઊભા રહેનારા તમામ મિત્ર દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને માનવતાવાદી એજન્સીઓનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પોતાના સંબોધન દરમિયાન નેપાળી વડાપ્રધાને પાડોશી દેશોની ભૂમિકાને બિરદાવતા કહ્યું, ‘ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓની હોનારત બાદ જે રીતે આંતરરાષ્ટ્રીય સમુદાય આપણી મદદે આવ્યો છે, તે માટે હું નેપાળના તમામ નાગરિકો વતી આભાર વ્યક્ત કરું છું. અમારા સૌથી નજીકના પાડોશી દેશો ભારત અને ચીન એ આપત્તિના તરત જ અત્યંત ઉદારતાથી મદદનો હાથ લંબાવ્યો હતો. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર, રાહત એજન્સીઓ અને વિશ્વભરની દાનવીર સંસ્થાઓએ નેપાળને પુનઃબેઠું કરવામાં મોટો સહયોગ આપ્યો છે’.
પીએમ બાલેન શાહે વૈશ્વિક નેતાઓને સંબોધતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું વિશ્વએ આ કુદરતી આફતોમાંથી સાચો બોધપાઠ લીધો છે કે કેમ? તેમણે ભારપૂર્વક કહ્યું કે, “નેપાળ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ દેશો માટે આબોહવા પરિવર્તન એ માત્ર પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ તે દેશના આર્થિક અને સામાજિક વિકાસને રોકી દેતી એક મોટી કટોકટી છે.”
બાલેન શાહે નવો પ્રસ્તાવ રાખ્યો
પોતાના સંબોધનમાં ‘Himalayan Climate Resilience Mechanism’ નો નવો પ્રસ્તાવ રાખ્યો હતો. હિંદુ કુશ-હિમાલય પ્રદેશની મહત્તા રેખાંકિત કરતાં શાહે જણાવ્યું કે આ પર્વતમાળાઓ પૃથ્વીની જીવન-સમાનાંતર પ્રણાલીનો અતૂટ હિસ્સો છે. તે પીવાના પાણી, નદીઓ, ખેતી અને ઇકોસિસ્ટમ દ્વારા લગભગ ૨ અબજ લોકોનું જીવન નભાવે છે. આ પ્રદેશમાં વધતા જતા જોખમો સામે લડવા તેમણે નેપાળ, ભારત અને ચીનના સંયુક્ત નેતૃત્વ હેઠળ ‘Himalayan Climate Resilience Mechanism’ ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.






