ગણેશોત્સવના સમાપન ટાણે મુંબઈની ગિરગાંવ ચોપાટી, દાદર, જુહુ, વર્સોવા, અકસા અને માર્વે બીચ જેવા પ્રમુખ દરિયાકિનારા પર લાખો શ્રદ્ધાળુઓ ગણપતિ બાપ્પાની પ્રતિમાઓના વિસર્જન માટે ઉમટી પડ્યા છે. જોકે, દરિયાના પાણીમાં ઉતરીને વિસર્જન કરતાં ભક્તો માટે દરિયાઈ જીવસૃષ્ટિ સાથે જોડાયેલો એક મોટો ખતરો સામે આવ્યો છે. મુંબઈના દરિયાકિનારે ચોમાસાના અંતિમ તબક્કામાં ઝેરી ‘બ્લુ બોટલ જેલીફિશ’ જેને પોર્ટુગીઝ મેન-ઓફ-વોરતરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે વિસર્જન દરમિયાન સેંકડો ભક્તો આ જેલીફિશના ડંખનો ભોગ બનતા હોય છે, જેને પગલે બીએમસી મુંબઈ પોલીસ અને આરોગ્ય વિભાગે દરિયાકિનારે ખાસ ચેતવણી અને તબીબી વ્યવસ્થા ગોઠવી છે.ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે પવન અને ઊંચા મોજાંને કારણે આ જેલીફિશ ઊંડા દરિયામાંથી કિનારા તરફ તણાઈ આવે છે. વાદળી અને પારદર્શક રંગની હોવાથી તે પાણીમાં સરળતાથી નરી આંખે દેખાતી નથી. આ જીવના લાંબા તંતુઓમાં અત્યંત ઝેરી કોષો હોય છે. દરિયામાં ઉતરતાં ભક્તોના પગ કે શરીર સાથે તેનો સહેજ પણ સ્પર્શ થાય કે તરત જ તે શરીરમાં ઝેર છોડે છે.
જેલીફિશ કરડે ત્યારે શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે? અસહ્ય બળતરા અને તીવ્ર દુખાવો: જેલીફિશનો ડંખ લાગતાં જ ત્વચા પર વીંછી કરડ્યો હોય તેના કરતાં પણ વધુ તીવ્ર બળતરા અને અસહ્ય દુખાવો શરૂ થાય છે.ત્વચા લાલ થવી અને ચકામા પડવા: અસરગ્રસ્ત ભાગ પર લાલ સોજા અને ચાંભા પડી જાય છે. કેટલાક સંવેદનશીલ લોકો, બાળકો કે વૃદ્ધોમાં એલર્જિક રિએક્શન આવવાને લીધે ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી-ઉબકા કે બ્લડ પ્રેશર ઘટી જવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.






