રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે રોબોટ સૈનિકો પણ મોરચો સંભાળી રહ્યા છે. યુક્રેને પહેલીવાર મોટા પાયે આત્મઘાતી જમીની રોબોટનો ઉપયોગ કરીને રશિયન સેનાં પર હુમલો કરવાનો દાવો કર્યો છે. યુક્રેનની થર્ડ આર્મી કોર્પ્સ અનુસાર, ‘ઓપરેશન વિવાલ્ડી’ હેઠળ રોબોટ અને ડ્રોનની મદદથી રશિયાના આશરે 3,000 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા. સાથે જ, પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક વિસ્તારમાં 5 ગામો અને 3 વસાહતો પર ફરીથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું.
યુક્રેનિયન સેનાના જણાવ્યા અનુસાર, આ અભિયાન મે મહિનામાં શરૂ થયું હતું અને સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પૂર્ણ થયું. સેનાએ ગુરુવારે તેની માહિતી જાહેર કરી. આ દરમિયાન રોબોટે 15,700થી વધુ મિશન પૂર્ણ કર્યા.
આ ઓપરેશનમાં ચાર પૈડાંવાળા એવા રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં વિસ્ફોટકો ભરેલા હતા. મોટા ડ્રોન તેમને રશિયન સેનાની સરહદની અંદર 14.5 કિમી સુધી લઈ જઈને છોડી દેતા હતા. ત્યારબાદ આ રોબોટ જમીન પર ચાલીને રશિયન સૈનિકોના ઠેકાણાં સુધી પહોંચતા અને હુમલો કરતા હતા. રોબોટમાં લગાવવામાં આવેલા કેમેરાથી આસપાસના વિસ્તાર પર નજર રાખવામાં આવતી હતી. તેમની મદદથી રશિયન સેનાના કમાન્ડ સેન્ટર, સૈનિકોના ઠેકાણાં, હથિયારો અને સામાન રાખવાની જગ્યાઓ તેમજ નદી પાર કરવાના માર્ગો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ વ્યૂહરચનાનો હેતુ યુક્રેનિયન સૈનિકોના જીવને જોખમમાં મૂક્યા વિના રશિયન ઠેકાણાં પર હુમલો કરવાનો હતો.આ રોબોટ્સની મદદથી સૈનિકોને લેન્ડમાઇન, ગોળીઓ અને દુશ્મનના હુમલાઓ વચ્ચે સીધા જવાનો જોખમ ઓછો થાય છે. ડ્રોન તેમને દુશ્મનના વિસ્તારમાં પહોંચાડે છે અને રોબોટમાં લાગેલા કેમેરાથી ઓપરેટર આસપાસની ગતિવિધિઓ પર નજર રાખે છે.જોકે, આ રોબોટ્સ દરેક કામ આપમેળે કરતા નથી. તેમને ચલાવવામાં અને હુમલાનો નિર્ણય લેવામાં માનવીની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.






