અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા તણાવને હળવો કરવા માટે કતાર દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થતા ફરી એકવાર નિષ્ફળ નીવડી છે. આ અઠવાડિયે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં બંને દેશો વચ્ચે કોઈ જ નક્કર સહમતિ સાધી શકાઈ નથી. બેઠક સાથે જોડાયેલા સુત્રો અનુસાર, બંને પક્ષો પોતાની જિદ્દ પર અડીખમ રહ્યા છે અને કોઈ પણ એક ડગલું પણ પાછળ હટવા તૈયાર નથી.
અમેરિકા અને ઈરાનના વલણથી સ્થિતિ વધુ વણસી રહી છે, જેના કારણે મધ્યપૂર્વમાં ફરી એકવાર ભયાનક યુદ્ધ ફાટી નીકળવાનો ભય મંડરાઈ રહ્યો છે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ મોટા પાયે સૈન્ય અભિયાન શરૂ કરવાનો આદેશ આપી શકે છે.
સોમવારે કતારના મુખ્ય મધ્યસ્થ અલી અલ-થવાડીએ ન્યૂયોર્કમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને તેમની ટીમ સાથે કલાકો સુધી મેરાથોન બેઠક યોજી હતી. આ દરમિયાન ઈરાન પરથી યુએસ નેવીની નાકાબંધી હટાવવા અને અમેરિકાની માંગ મુજબ ઈરાનના પરમાણુ કાર્યક્રમોને સીમિત કરવા માટે 2 પાનાના કરારના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.ત્યારબાદ અલી અલ-થવાડી વોશિંગ્ટન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ટ્રમ્પના દૂત જેરેડ કુશ્નર અને અન્ય અમેરિકન અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ જે.ડી. વેન્સ પણ થોડા સમય માટે હાજર રહ્યા હતા. જોકે, બંને પક્ષોના અડિયલ વલણને કારણે કતારના મધ્યસ્થો પણ હવે ધીમે ધીમે નિરાશ થઈ રહ્યા છે.સોમવારે સવારે વ્હાઈટ હાઉસ આ વાટાઘાટોને લઈને ખૂબ જ આશાવાદી હતું અને પ્રોસેસને ‘પોઝિટિવ અને ક્રિએટિવ’ ગણાવવામાં આવી રહી હતી. એવી પણ વાત વહેતી થઈ હતી કે જો ઈરાન પરમાણુ મુદ્દે નરમ વલણ દાખવે તો ટ્રમ્પ તેના પરથી પ્રતિબંધો હટાવવા અને ફ્રીઝ કરાયેલા ફંડને મુક્ત કરવા તૈયાર છે. પરંતુ, મધ્યસ્થો વ્હાઈટ હાઉસમાં જ હાજર હતા ત્યારે જ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સ્પષ્ટતા કરી કે તેમણે ઈરાનને કોઈ જ ઓફર કરી નથી! આ એક જ પોસ્ટે સમગ્ર ચર્ચાની દિશા બદલી નાખી હતી.






