ફ્રાન્સમાં શાળાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે શરૂ થયેલું Gen-Z વિદ્યાર્થીઓનું આંદોલન હવે અત્યંત ઉગ્ર અને હિંસક બની ગયું છે. સમગ્ર દેશમાં આશરે અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે. સપ્ટેમ્બરના અંતથી હાઈસ્કૂલો બહાર શરૂ થયેલા આ પ્રદર્શનોએ હવે દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેમાં અનેક સ્થળોએ તોડફોડ, ચક્કાજામ અને આગચંપીની ઘટનાઓ નોંધાઈ છે.
ફ્રાન્સની આ તંગદિલી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિરોધ પ્રદર્શનને અલગ જ રાજકીય દ્રષ્ટિકોણથી રજૂ કર્યું છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ફ્રાન્સમાં સર્જાયેલી અરાજકતા પાછળ શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ નહીં પરંતુ મોટા પાયે થઈ રહેલું સ્થળાંતર (માઈગ્રેશન) છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ મુદ્દો માત્ર શાળાઓ પૂરતો સીમિત નથી, પરંતુ ઇસ્લામના માધ્યમથી આખા દેશ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ આક્રમક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નજીક આવી રહી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી શરૂઆતથી જ સરહદ સુરક્ષા અને ગેરકાયદે સ્થળાંતર જેવા મુદ્દાઓને પ્રમુખતા આપતી રહી છે. ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન’ (MAGA) અભિયાન સાથે જોડાયેલા સમર્થકો ફ્રાન્સના હિંસક વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.






