સાઉદી અરેબિયાના બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુથી બળવાખોરોના મિસાઈલ હુમલાથી ખળભળાટ મચ્યો છે. એડન અને કિંગ ખાલેદ એરપોર્ટ પર થયેલા હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 36 ઘાયલ થયા છે. પ્રવાસીઓ જીવ બચાવવા સામાન છોડીને ભાગ્યા હતા. ભારત સરકારે સાઉદીમાં રહેતા ભારતીયોને સાવચેતી રાખવા જણાવ્યું છે.
સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુથીઓના હુમલાના લીધે ખળભળાટ મચ્યો છે. લોકો પોતાનો સામાન છોડીને ભાગી રહ્યા છે. પ્રવાસીઓને એરપોર્ટ સત્તાવાળાઓએ સૂચના આપી છે કે સામાનની ચિંતા છોડો, જીવ બચાવો. આના કારણે સાઉદીમાં રહેનારાઓના લોકોના જીવ તાળવે ચોંટયા છે. ભારત સરકારે સાઉદીમાં રહેતા ભારતીયોને ઘરની અંદર કે ઓફિસ હોય તો તેની અંદર રહેવા ચેતવણી જારી કરી છે.
હુથી બળવાખોરોએ એડનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા. આ હુમલાના લીધે એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી હતી. સાઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે કિંગ ખાલેદ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક સુદાની નાગરિક માર્યો ગયો હતો અને આઠ ઘાયલ થયા હતા. જ્યારે આભા એરપોર્ટ પર થયેલા હુમલામાં મોરોક્કો અને અલ્જીરિયાના રહેવાસીઓના મોત થયા હતા અને ૨૮ ઇજા પામ્યા હતા. ત્રણ ઓક્ટોબર પછી હુથીએ સાઉદીમાં ૧૪ લશ્કરી અભિયાન ચલાવ્યા છે. સાઉદી અરેબિયાના બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મધ્યપૂર્વનો સૌથી મહત્ત્વનું કેન્દ્ર મનાય છે. હવે ત્યાં હુમલો થતા આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહારને પણ મોટો ફટકો પડયો છે. સાઉદી વિશ્વનું સૌથી મોટું ઓઇલ એક્સ્પોર્ટર હોવાથી તેના પરના હુમલાના લીધે ક્રૂડ ઓઇલમાં પણ ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રુડ લગભગ ૧૦૬ ડોલરને સ્પર્શીને હાલમાં ૧૦૪ ડોલર ચાલી રહ્યું છે.
હુથીઓએ સાઉદી પર હુમલાનો દાવો કર્યો છે અને હજી પણ તેના મહત્ત્વના આર્થિક કેન્દ્રો પર વધુ હુમલા કરીશું અને રીફાઇનરીઓને ભડકે બાળીશું તેવા દાવા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ૨૦૧૫થી કેટલાય મુસ્લિમ દેશોને સાથે લઈને લડવા છતાં પણ સાઉદી અરેબિયા હુથીઓ સામે જીતી શક્યું ન હતું. હવે તે અને ફક્ત યમનની સરકારી સેના હુથીઓ સામે કઈ રીતે જીતી શકે છે તે મોટો સવાલ છે. તે સમયે તો હુથીઓ પાસે મિસાઇલો પણ ન હતા, આ વખતે તેમની પાસે બેલિસ્ટિક મિસાઇલો પણ છે. સાઉદી અરેબિયાએ છેલ્લા ૨૪ કલાકમાં સાદા, હજ્જા, અમરાન, તાઇજ અને અલ જોફ પ્રાંતમાં વિવિધ સ્થળોએ અને રહેણાક વિસ્તારો પર લગભગ ૧૫૬ હુમલા કર્યા છે. તેમા અનેકના મોત થયા છે. બીજી બાજુએ બાબ અલ મંડેબને કબ્જે કરવા યમનની સરકારી સેના અને હુથીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી રહી છે.





