લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ નામના આ અભિયાન હેઠળ ભાજપ મતદાર યાદીની ચોકસાઈ, ચૂંટણી પ્રક્રિયા અને બંધારણીય સંસ્થાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવશે. આ અભિયાન 5 નવેમ્બર સુધી ચાલવાનું આયોજન છે.
પાર્ટીના આંતરિક દસ્તાવેજના આધારે સામે આવેલી વિગતો મુજબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશ હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ મતદાર યાદીના સુધારણા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા વિરોધ અને આક્ષેપોનો જવાબ આપવાનો છે. ભાજપનો દાવો છે કે વિપક્ષ આ મુદ્દે ખોટી માહિતી ફેલાવી રહ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ અભિયાન હેઠળ ભાજપે દેશભરમાં 2,000 બેઠકો યોજીને 10 લાખ યુવાનો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, જિલ્લા સ્તરે પદયાત્રા યોજવા માટે નેતાઓને ઓછામાં ઓછા 10,000 લોકોને એકત્ર કરવાનું કહેવામાં આવ્યું છે. અભિયાન દરમિયાન જાહેર સભાઓ, પદયાત્રાઓ, પત્રકાર પરિષદો, યુવાનો સાથે સંવાદ, વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાઓ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવામાં આવશે. મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા સમજાવતા પત્રકો અને પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે.
23થી 31 ઑક્ટોબર સુધી ‘રાષ્ટ્રીય ચિંતન સંવાદ
ભાજપની યોજના મુજબ, આજે તા.23થી 31 ઑક્ટોબર દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારમાં ‘રાષ્ટ્રીય ચિંતન સંવાદ’ યોજવામાં આવશે. તેમાં શિક્ષણવિદો, સમાજસેવકો, વેપારી પ્રતિનિધિઓ, શિક્ષકો, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને નાગરિકો સહિત આશરે 200 આમંત્રિત વ્યક્તિઓ ભાગ લેશે. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે ‘લોકતંત્ર વિરુદ્ધ ભીડતંત્ર’ વિષય પર ચર્ચા, પ્રશ્નોત્તરી, નિબંધ સ્પર્ધા અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવશે.





