પેરિસ સહિત ફ્રાંસનાં અનેક શહેરોમાં જીવનજરૂરિયાતની ચીજોના સતત વધતા ભાવ, ગેસ-વીજળીના ઊંચા દર, શાળાઓની જર્જરિત હાલત અને આર્થિક અસમાનતા સામે જનતા રણે ચઢી છે. વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલું આ આંદોલન વિશાળ જનઆક્રોશમાં પરિવર્તિત થતાં પેરિસ, માર્સીલે, લીયોન, બોર્ડોકસ અને નાન્તેઝ સહિતના શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં છે.
સ્થિતિ નિયંત્રિત કરવા દેશભરમાં ૭૦,૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરવા પડ્યા છે. પ્રદર્શન દરમિયાન મોટાપાયે પથ્થરબાજી, સાર્વજનિક મકાનોની તોડફોડ, મોલ્સ અને દુકાનોની લૂંટ તેમજ વાહનોને આગ ચાંપવાની અરાજક ઘટનાઓ બની છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જ, ટીયર ગેસ અને બખ્તરિયા ગાડીઓ સાથે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, જેમાં અનેક લોકોને ઈજાઓ થઈ છે.
સત્તાવાળાઓના મતે આ રમખાણો ડાબેરી વલણ ધરાવતા ‘બ્લેક શર્ટ્સ’ દ્વારા ચગાવવામાં આવી રહ્યા છે, જેની સામે મરીન પેનની ફાર-રાઈટ પાર્ટીના ‘યલો શર્ટ્સ’ મેદાને પડ્યા છે. આમ, મૂળભૂત જરૂરિયાતો અને અસમાનતાથી શરૂ થયેલી આ અશાંતિ હવે રાજકીય રંગ પકડી રહી છે. ફ્રાંસની આ કટોકટી હવે ઇટાલી, સ્પેન, આલ્બેનિયા, પોર્તુગલ અને આર્જેન્ટીના સુધી પ્રસરતી જોવા મળી રહી છે, જે ‘હેવ્સ અને હેવનોટ્સ’ (સંપન્ન અને વિહોણા વર્ગ) વચ્ચેના ગંભીર સંઘર્ષ તરફ ઈશારો કરે છે.






