આકાશમાં અસાધારણ સાહસનું પ્રદર્શન કરીને સેંકડો નિર્દોષ મુસાફરોની જિંદગી બચાવનાર ફ્લાયદુબઈના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરને સંયુક્ત આરબ અમીરાત તરફથી અત્યંત પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાન દ્વારા કેપ્ટન સ્મિત મચ્છરને દેશના નાગરિક અને લશ્કરી સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ II’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
પોતાના હાથમાં પટ્ટી પહેરીને પોતાના ક્રૂ મેમ્બર્સ સાથે સમારોહમાં પહોંચેલા કેપ્ટન સ્મિતના અદમ્ય ઉત્સાહ અને સમર્પણ ભાવને જોઈને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ગર્વ અને સન્માનથી છલકાઈ ગઈ હતી. આ ક્ષણ ભારત માટે પણ અતિ મહત્વપૂર્ણ થયું છે. કારણ કે,એક ભારતીયનું વિદેશી ધરતી પર જ્યારે સર્વોચ્ચ એવોર્ડથી સન્માન થાય ત્યારે તે માત્ર તે વ્યક્તિનું નહીં પરંતુ આખા ભારતનું સન્માન ગણાય છે.
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાને કેપ્ટન મચ્છરને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમ અને બંને અમીરાતના શાહી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફ્લાયદુબઈના કેપ્ટન સાથે તેમના ક્રૂ મેમ્બર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.






